વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે સવારે 2.30 વાગે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં થયેલા ગેસ લીકેજના કારણે એક બાળક સહિત 11 લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકોની હાલત ગંભીર છે. 1000થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ ગેસ લીકેજથી 3 કિમી સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. સુરક્ષા કારણસર 6 જેટલા ગામડાઓને ખાલી કરાવાયા છે. પ્લાન્ટથી જે ગેસ લીક થયો છે તે સ્ટાઈરીન હોવાનું કહેવાય છે. એવા અહેવાલો આવી રહ્યાં છે કે પ્લાન્ટમાંથી ફરીથી ગેસ લીકેજ શરૂ થઈ ગયો છે. મળતી માહિતી મુજબ સ્થિતિ પર કાબુ મેળવવામાં વાર લાગી શકે છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ વિશાખાપટ્ટનમના આર.આર વેંકટપુરમ ગામમાં એલજી પોલિમર ઉદ્યોગમાં રાસાયણિક ગેસ લીક થયો. આ જ કારણે ત્યાં હાજર લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ ઊભી થતા હોસ્પિટલમાં દાખલ કરાયા. પીએમ નરેન્દ્ર મોદી આ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે સ્થિતિની સમીક્ષા કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક બેઠક બોલાવી છે. 



પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે મેં વિશાખાપટ્ટનમની સ્થિતિ અંગે MHA (ગૃહ મંત્રાલય) અને NDMA (નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી)ના અધિકારીઓ સાથે વાત કરી છે જેના પર બાજ નજર રાખવામાં આવી રહી છે. હું વિશાખાપટ્ટનમમાં તમામની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરું છું. પીએમ મોદીએ આંધ્ર પ્રદેશના સીએમ વાય એસ જગનમોહન રેડ્ડી સાથે વાતચીત કરી છે. તેમને તમામ મદદ અને સહાયતાનું આશ્વાસન આપ્યું છે. 


ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે આ ઘટના પર નજર રાખવામાં આવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે વિશાખાપટ્ટનમમાં ઘટેલી ઘટના પરેશાન કરનારી છે. NDMAના અધિકરીઓ અને સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી. અમે સ્થિતિ પર સતત અને બારીકાઈથી નજર રાખી રહ્યાં છીએ. હું વિશાખાપટ્ટનમના લોકોના સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. 



સ્ટાઈરિન ગેસની શરીર પર અસર
- શ્વાસ લેવામાં તકલીફ
- શરીર પર રેશીઝ
- આંખોમાં બળતરા
- ઉલટી થવી
- બેહોશ થઈ જવું


સ્ટાઈરિન ગેસ કેટલો ખતરનાક?
- આ  ગેસ પ્લાસ્ટિક, પેઈન્ટ, ટાયર જેવી ચીજો બનાવવામાં ઉપયોગી
- શરીરમાં પ્રવેશતા બળતરા, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર સીધી અસર
- સ્ટાઈરિન ગેસ બાળકો, શ્વાસના દર્દીઓ માટે ખુબ જોખમી


આવી સ્થિતિમાં કેવી રીતે રાખશો સાવધાની
- જરાય દોડવું જોઈએ નહીં
- મોઢા પર ભીનું કપડું રાખવું જોઈએ. 
- દર્દીને સૂવાડીને લાંબા શ્વાસ લેવડાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તે શ્વાસ ન લઈ શકે તો ઓક્સીજનની સહાયતા લેવી જોઈએ. 



કહેવાય છે કે જ્યારે ગેસ લીક થયો તો લોકોને ગભરામણ થવાની શરૂ થઈ અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. હજુ પણ ગેસ લીકેજ થવાનું કારણ જાણવા મળ્યું નથી. 


આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ આ ઘટના અંગે જાણકારી લીધી છે અને જિલ્લા કલેક્ટરને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે કે પ્રભાવિત લોકોને યોગ્ય સારવાર મળે.